Monday, September 1, 2014

વિટામીન ખીચડી


Capture
સામગ્રીઃ
ઘઉંના ફાડા(દલિયા)- ૩/૪ કપ
ફણગાવેલા મગ-૧/૪ કપ
તલ-૧૧/૨ ટીસ્પૂન
લવિંગ- ૨ નંગ
તજ- ૧ સળી
એલચી- ૨ નંગ
તેજપત્તાં- ૧ નંગ
આદુ-લસણની પેસ્ટ- ૨ ટીસ્પૂન
લીલા મરચાંની પેસ્ટ- ૧ ટીસ્પૂન
ઝીણી સમારેલી ડુંગળી-૧/૪ કપ
લીલા વટાણા-૧/૨ કપ
ઝીણા સમારેલાં ટામેટાં-૧/૪ કપ
લો-ફેટ દહીં- ૨ ટેબલસ્પૂન
મીઠું- સ્વાદ મુજબ
હળદર-૧/૨ ટીસ્પૂન
ગરમ મસાલો- ૨ ટીસ્પૂન
સ્વાદ માટે લો-ફેટ દહીં
વઘાર માટે :
તેલ- ૧ ટીસ્પૂન
લો-ફેટ પનીર ક્યુબ્સ- ૧/૨ કપ
તાજાં પીસેલાં મરીનો પાવડર

રીત :
ફાડાને સ્વચ્છ કરી પાણીથી બરારબર ધોઇ કાઢો. નીતારીને બાજુમાં મૂકો. એક પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો. એમાં લવિંગ, તજ, એલચી અને તેજપત્તું નાખીને મધ્યમ આંચે થોડી વાર સાંકળો. એમાં ફાડા અને ફણગાવેલા મગ નાંખીને મધ્યમ આંચે ૩૦ સેકંડ માટે સાંતળો.

પછી એમાં આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ડુંગળી, લીલા વટાણા, ટામેટાં, દહીં, હળદર, ગરમ મસાલો, મીઠું અને દોઢ કપ જેટલું ગરમ પાણી નાખો. બધું હલાવી લઈ કૂકરને ઢાંકણું લગાવી ખીચડી થવા દો. ૩ સીટી વાગે એટલે આંચ બંધ કરો. વરાળ નીકળી જાય એટલે ઢાંકણું ખોલો.

સજાવટ માટે વઘાર કરવા એક નાના પહોળો નોન-સ્ટિક કઢાઈમાં તેલ ગરમ કરો. એમાં પનીર, મીઠું, મરી નાંખી ૩૦ સેકંડ મધ્યમ આંચે સાંતળી લો. ખીચડી પર તે છાંટો અને લો ફેટ દહીં સાથે ગરમાગરમ પીરસો.

નોંધ : આ વાનગી ખૂબ પોષણયુક્ત ભોજન છે ! એમાં ભરપૂર વિટામીનો અને પ્રોટિન છે જે પનીર, ફણગાવેલ મગ અને ફાડામાંથી મળી રહે છે. વિવિધ શાક, મસાલા અને દહીં તેને લિજ્જતદાર બનાવે છે.

Sunday, August 31, 2014

ગુજરાતમાં જ દુનિયાની 7 અજાયબીઓને 70 રૂપિયામાં માણો

http://gujaratsamachar.com/index.php/articles/display_article/7-wonders-in-gujarats-amusement-park-tirupati-rushivan-gujaratsamachar

- આ જગ્યાની મુલાકાત પછી તમે પણ કહેશો, 'કુછ દિન તો ગુજારો ગુજરાત મે'

- આ પાર્કને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યું છે

તિરૂપતી ઋષિવનની વધારે તસ્વીરો જોવા અને માહિતી વાંચવા ફોટા પર ક્લિક કરો

અમદાવાદ તા. 30 ઓગસ્ટ 2014

'કુછ દિન તો ગુજારો ગુજરાત મે', આ વાક્ય ટીવી પર તમે અમિતાભ બચ્ચનને કેટલીયે વાર કહેતા સાંભળ્યા હશે. સામાન્ય વ્યક્તિઓ જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લેવાનું વિચારતા હોય ત્યારે તેની એન્ટ્રી ફી પ્લાનને બદલી નાખે છે. મોટા ભાગના શહેરોમાં એન્ટરટેઇનમેન્ટના સાધનોમાં બેસવાની કે તેને જોવાની કિંમત 250થી લઇને 1000 સુધી હોય છે. પરંતુ ગુજરાતી તમને જાણીને આનંદ થશે કે ગુજરાત રાજ્યમાં જ એક એવો પાર્ક આવેલો છે જ્યાં તમારા ગજવાને ભાર નહી પડે.

કેવી રીતે જશો ?
આ એમ્યુઝમેન્ટ પાર્ક વિજાપુર-હિંમતનગર રોડ સાબરમતી નદીના કિનારે કુદરતના સાનિધ્યમાં દેરોલ ગામ નજીક આવેલો છે. એમ્યુઝમેન્ટ પાર્ક મહુડીથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલો છે, એટલે તમે મહુડી રોકાઈ દર્શન કરી સુખડીના પ્રસાદની મજા માણી પહોચી શકો છો એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક ઋષિવનના નામે પણ ઓળખાય છે.

શું છે આ પાર્કની ખાસિયતો ?
તિરૂપતી ઋષિવન એ ગુજરાતનો સૌથી મોટો એમ્યુઝમેન્ટ પાર્ક છે. આ પાર્ક વિશ્વની સાત અજાયબીઓની થીમ પર બનાવવામાં આવેલો છે અને તેની ફી મોટેરાઓ માટે 100 રૂપિયા છે જ્યારે 3થી 12 વર્ષના બાળકો માટે 70 રૂપિયા રાખવામાં આવી છે.

કુદરતી સોંદર્ય અને હર્યાભર્યા વૃક્ષોથી ભરપુર પાર્કને સામાજીક સામાજિક ઉત્થાન, જંગલોનો વિકાસ અને પર્યાવરણ સંબંધી કાર્યો કરવા માટે ઈન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવ્યું છે. ફક્ત એટલુ જ નહીં આ પાર્કના કારણે અહીં રહેતા 5,000 લોકોને રોજગારીની તક મળી રહી છે, જેના કારણે સ્વચ્છ, સુરક્ષિત મનોરંજનથી ભરપૂર વાતાવરણ ઉભુ થઇ રહ્યું છે.

Wednesday, August 27, 2014

આઝાદી પછી જૂનાગઢની આઝાદી

http://www.sandesh.com/article.aspx?newsid=2975546&utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Sandesh_Headlines+%28Sandesh+-+Daily+Headlines%29




પ્રજામત : વિશાલ ડોબરિયા
જૂનાગઢના નવાબ મહાબતખાનજી ત્રીજાએ રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરતા પ્રજાજનો તથા દેશની ટોચની નેતાગીરી સ્તબ્ધ થઈ ઊઠી હતી. અહીંથી શરૂ થયો હતો જૂનાગઢની આઝાદી માટેનો સ્વાતંત્ર્ય સંગ્રામ
૧૯૪૭ની રપ સપ્ટેમ્બરે મુંબઈના માધવબાગમાં શામળદાસ ગાંધીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી. તા.ર૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ આરઝી હકૂમતનું શામળદાસ ગાંધીના નેજા હેઠળ સુરગભાઈ વરૂ, મણીભાઈ દોશી, રતુભાઈ અદાણી વગેરે સાથે રાજકોટ શહેરમાં આગમન થયું. પછી આરઝી હકૂમતમાં સૈનિકોની ભરતી અને તાલીમ શરૂ કરી. ૨૪ ઓક્ટોબરે આરઝી હકૂમતે અમરેલીના કૂંકાવાવ પાસે આવેલા અમરાપુર ગામ ઉપર હલ્લો બોલાવ્યો હતો અને એ જ તારીખે નવાબ જૂનાગઢથી પાકિસ્તાન જવા માટે રવાના થયા હતા. ૯ નવેમ્બર સુધીમાં આરઝી હકૂમતે રાજ્યનાં ૧૧પ જેટલાં નાનાં ગામડાંનો કબજો લઈ લીધો હતો. પોણા ત્રણેક માસ આરઝી હકૂમતની લડાઈ ચાલી. એ જ દિવસે સાંજે પ વાગ્યે ભારતીય લશ્કરે મજેવડી દરવાજામાંથી જૂનાગઢમાં પ્રવેશ કરી રાજ્યનો વિધિવત્ કબજો લીધો. ૧૩ નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં આરઝી હકૂમતની ઐતિહાસિક જાહેરસભા યોજી હતી. આરઝી હકૂમતમાં તાલીમ પામેલા અને પગારદાર સત્તાવાર ફક્ત ૧પ૦ સૈનિકો જ હતા. આ ઉપરાંત ગામેગામથી ત્રણેક હજાર યુવાનો આ લડત માટે આરઝી હકૂમત સાથે જોડાયેલા હતા. નવાબ પાકિસ્તાન ગયા બાદ કરાંચીસ્થિત ભારતના હાઈકમિશનર શ્રીપ્રકાશને મળી રજૂઆત કરી હતી કે, સરદાર વલ્લભભાઈ તથા મહાત્મા ગાંધીજી કહે ત્યાં સહી કરી આપવા તૈયાર છું. મને ભારત પાછો આવવા દેવામાં આવે.
ફેબ્રુઆરી ૧૯૪૮માં લોકમત લેવામાં આવ્યો હતો. જેમાં પ્રજાને પાકિસ્તાન સાથે જોડાવું છે કે ભારત સાથે તેની ચૂંટણી થઈ હતી. મતગણતરીમાં પાકિસ્તાનની તરફેણમાં ફક્ત ૯૧ મત અને ભારતની તરફેણમાં દોઢેક લાખ મત નીકળ્યા હતા. 
જૂનાગઢની આઝાદી સાથે તેના છેલ્લા નવાબ મહાબતખાનજીની દર્દીલી દાસ્તાન પણ જાણવા જેવી છે. તેમણે પાકિસ્તાનથી જૂનાગઢ પરત આવવા માટે અને તેને ભારત સાથે જોડાણ માટેના પ્રયાસો કર્યા હતા. નવાબે તાર કરીને કહ્યું હતું કે, મારી વ્હાલી પ્રજાના લોહીનું એક પણ ટીપું વહેવું ન જોઈએ. તેમણે જ ભારત સરકારને શરણે થઈ જવાનું જણાવ્યું હતું. આખરે નવાબની સૂચનાથી દીવાન ભુટ્ટોએ ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી. કેપ્ટન હાર્વે જોન્સ અને સનદી અધિકારી નીલમભાઈ બુચ આગળ શરણાગતિ થઈ હતી. ૯ નવેમ્બર, ૧૯૪૭ના રોજ જૂનાગઢના આઝાદ ચોક અને ઉપરકોટ ખાતે ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ૈંૈં

vishal.dobaria.jnd@gmail.com