નવી દિલ્હી, તા. ૧૧
ભારતનું પાટનગર દિલ્હી દેશનાં સૌથી સ્પર્ધાત્મક શહેર તરીકે ઊભરી આવ્યું છે જ્યારે આર્િથક રાજધાની ગણાતું મુંબઈ બીજા ક્રમે અને ગુજરાતનું અમદાવાદ દસમા ક્રમે આવ્યું છે. ઇન્ટરનેશનલ થિંક ટેંક દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી હતી. સ્પર્ધાત્મક રીતે ટોચનાં દસ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, ગુડગાંવ, બેંગ્લુરુ, નોઈડા, પૂણે અને અમદાવાદનો સમાવેશ થાય છે.
મુંબઈ બીજા અને અમદાવાદ દસમા ક્રમે
ઈન્સ્ટિટયૂટ ફોર કમ્પિટિટિવનેસ દ્વારા સિટી કમ્પિટિટિવનેસ રિપોર્ટ ૨૦૧૨ જાહેર કરવામાં આવ્યો હતો જેનો ઉપયોગ બિઝનેસ સંસ્થાઓ અને સરકાર દ્વારા વિવિધ કાર્યો માટે કરવામાં આવે છે. સિંગાપુરના વડાપ્રધાન લી હેસીન લુંગ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે જ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ફરિદાબાદે તેની સ્થિતિ સુધારીને ૨૯મો ક્રમ મેળવ્યો છે જ્યારે ગુવાહાટીએ પણ તેની સ્થિતિ સુધારી છે.
વિદેશી બુદ્ધિજીવીઓ અને મેનેજમેન્ટ ગુરુ માઈકલ ઈ પોર્ટર, બિશપ વિલિયમ લોરેન્સ યુનિર્વિસટીના પ્રોફેસર દ્વારા આ સર્વેનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે.
વિવિધ પ્રકારની માગ સંતોષીને અને સંતુલિત વિકાસ સાધીને નવી દિલ્હીએ અત્યંત સ્પર્ધાત્મક શહેર તરીકે ટોચનું સ્થાન મેળવ્યું છે. અલબત્ત વહીવટ અને સંસ્થાકીય સપોર્ટની બાબતમાં તે થોડું ઊણું ઊતર્યું હોવાનું જણાયું હતું. નોઈડા તેમજ પૂણે અને અમદાવાદ હવે અન્ય મેટ્રો શહેરોની આ બાબતમાં તીવ્ર સ્પર્ધા કરી રહ્યાં છે. આ ત્રણેય શહેરોએ ટોેપ ટેનમાં સ્થાન મેળવ્યું છે.
નાનાં શહેરો કોઈમ્બતુર, મ્હૈસુર, મદુરાઈ અને ગુવાહાટી સારો દેખાવ કરીને તેમનું સ્થાન સુધારી શક્યાં છે જ્યારે સુરત, લખનૌ, આગ્રા અને અલ્હાબાદ નીચલા ક્રમે ધકેલાયાં છે. ભારતીય શહેરો તેમનાં મજબૂત પાસાંઓને ધ્યાનમાં રાખીને વિવિધ પેઢીનાં લોકોને આકર્ષે તે જરૃરી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે, આવાં શહેરોએ અન્ય શહેરોની નકલ કરવાને બદલે તેમની પોતાની આગવી ઓળખ ઊભી કરવી જોઈએ તેમ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે.
સ્પર્ધાત્મકતા માપવા માટે પોર્ટરનું મોડલ ચાર પરિબળો પર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં હકીકતો, માગની સ્થિતિ, વિવિધ વ્યૂહ અને સ્પર્ધાત્મકતાનો સમાવેશ થાય છે, જે તે શહેરોના ઉદ્યોગોની ગુણવત્તા વગેરેને ધ્યાનમાં લેવાય છે. કોઈ પણ શહેરો અને મહાનગરો ઈકોનોમીનાં ચાલકબળ છે. તેનાં વિકાસ સાથે રાજ્યોનો અને દેશનો વિકાસ સંકળાયેલો છે.
ભારતનાં ટોપ ટેન સ્પર્ધાત્મક શહેરો
શહેર રેન્ક |
નવી દિલ્હી ૬૯.૭૩૨ |
મુંબઈ ૬૭.૮૫૬
|
ચેન્નાઈ ૬૨.૩૨૩ |
હૈદરાબાદ ૬૧.૭૮૨ |
કોલકાતા ૬૧.૪૬૪ |
ગુડગાંવ ૬૧.૧૬૭
|
બેંગ્લુરુ ૬૧.૧૦૦
|
નોઈડા ૬૦.૪૦૬
|
પૂણે ૫૯.૮૫૪
|
અમદાવાદ ૫૮.૦૩૬ |
No comments:
Post a Comment